તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ભાત અને બજારમાં તૈયાર મળતા બિરયાની મસાલા વડે આ વાનગી ટુંક સમયમાં બનાવી શકાય એવી છે અને અંતમાં તળેલા કાંદા અને બદામની સજાવટ તેને વધુ આકર્ષક અને મોહક બનાવે છે.
બદામની બિરયાની - Almond Biryani recipe in Gujarati
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં બદામ મેળવીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લીધા પછી નીતારી બાજુ પર રાખો.
- એ જ નૉન-સ્ટીક પૅનમાં લવિંગ, એલચી, તજ અને તમાલપત્ર નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં વિલાયતી જીરૂ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ફણસી, લીલા વટાણા, લીલા મરચાં અને બિરયાની મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બદામ અને ભાત મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવીને હળવા હાથે મિક્સ કરી લો.
- તળેલા કાંદા અને તળેલી બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.