કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જલ્દી અને સરળ બનાવી શકાય એવી અલગ વાનગી પણ છે જેમાં ચોખાના લોટ સાથે મસાલા મેળવી ગરમ પાણીમાં રાંધીને કણિક તૈયાર કરી, તેને ગમતો આકાર આપી બાફવામાં આવે છે. પણ, આ કડુબુ પૂરણ વગર સરળ રીતે ઝટપટ બનાવીને નાસ્તામાં પીરસી શકાય એવી આ કર્ણાટકની વાનગી છે.
કડુબુ - Kadubu recipe in Gujarati
Method- ઇડલી રવાને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સૂંકું શેકીને બાજુ પર રાખો.

- નાળિયેર, જીરૂં અને લીલા મરચાંને મિક્સરમાં ફેરવી કરકરૂં મિશ્રણ બનાવી બાજુ પર રાખો.
- એક ઊંડા પૅનમાં ૩ કપ પાણી, તેલ અને મીઠું મેળવીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી ઉકાળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું કરકરૂં મિશ્રણ, કોથમીર અને કડીપત્તા મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ધીરે-ધીરે શેકેલો ઇડલી રવો ઉમેરતા જાવ અને સતત હલાવતા રહી ઘટ્ટ ઉપમા જેવું મિશ્રણ તૈયાર કરી થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
- તમારી આંગળીઓ અને હથેળીને થોડા પાણીમાં ડૂબોડીને મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને હથેળી પર મૂકીને વાળીને ગોળ ચપટી ટીક્કી તૈયાર કરો.
- આમ તૈયાર થયેલી ટીક્કીને બાફવાના વાસણમાં એક ઉપર એક ગોઠવીને મધ્યમ તાપ પર ૨૦ મિનિટ સુધી બાફી લો.
- ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.