ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી અને મોજથી માણો.
ખાનદેશી દાળ ની રેસીપી - Khandeshi Dal recipe in Gujarati
ખાનદેશી દાળ માટે- બધી દાળને સાફ કરીને ધોઈને ૨ ક્લાક પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- બધી દાળને પ્રેશર કુકરના વાસણમાં ભેગી કરી તેમાં ૨ કપ પાણી, મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી કુકરની ૨ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- આ દાળને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
મસાલા પાવડર તૈયાર કરવા માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં નાળિયેર અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લાલ મરચાં, ધાણા પાવડર, લવિંગ, એલચી, તજ અને મરી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
- એક વખત તે સંપૂંર્ણ ઠંડું થઈ જાય, તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલો મસાલા પાવડરનો અડધો ભાગ દાળમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી બાજૂ પર રાખો.
વધાર માટે- એક નાની નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચો અને તમાલ પત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- આ વધારને તૈયાર કરેલી દાળના બાઉલમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.