વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસરી દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર અને મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે.
અંતમાં આ બિરયાની ઉપર ઘી રેડીને ઢાંકીને રાંધવામાં આવી છે, જેથી તેમાં મેળવેલી દરેક સામગ્રીનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય છે અને જ્યારે હાંડીમાંથી તેની બાફ બહાર આવવા માંડે, ત્યારે દેખાવ અને ખુશ્બુમાં તેની બીજી કોઇ વાનગી સાથે સરખામણી કરી જ ન શકાય.
આના જેવી બીજી રેસીપી અજમાવી જુઓ જેવી કે બદામની બિરયાની અને બ્રેડ કોફ્તા બિરયાની
વેજીટેબલ બિરયાની - Vegetable Biryani ( Chawal) recipe in Gujarati
ભાત માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ ૧/૨ કપ પાણી, તમાલપત્ર, તજ, લવિંગ, એલચી, ચોખા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા ચોખા બરાબર રંધાઇ જાય ત્યાં રાંધી લો.

- ગરણી વડે ભાતને નીતારીને બાજુ પર રાખો.

વેજીટેબલ ગ્રેવી માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ નાંખો.

- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.

- તે પછી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

- તે પછી તેમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.

- તે પછી તેમાં મિક્સ શાક, પનીર, મીઠું અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

- છેલ્લે તેમાં સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.

આગળની રીત- એક બાઉલમાં દહીં, કોથમીર અને કેસરી રંગ મેળવી બરોબર મિક્સ કરી લો.

- પછી તેમાં રાંધેલા ભાત મેળવી, સારી રીતે મિક્સ કરીને તેના ૨ સરખા ભાગ પાડો.

- એક હાંડીમાં ભાતનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે તેને સરખી રીતે પાથરી લો.

- પછી તેની પર તૈયાર કરેલી વેજીટેબલ ગ્રેવી મેળવી સરખી રીતે પાથરી લો.

- હવે ભાતનો બીજો ભાગ તેની પર મૂકી સરખી રીતે પાથરી લો.

- તેની પર ઘી સરખી રીતે પાથરી ઢાંકણ વડે ઢાંકી લો.

- આ હાંડીને એક નૉન-સ્ટીક તવા પર મૂકી મધ્યમ તાપ પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી રાંધી લો.

- ગરમ ગરમ પીરસો.