બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણામાંથી ઘણા લોકો ને બરફી ખાવાની ઇચ્છા હોવા છતાં ખાવાનું ટાળીએ છે, કારણકે તેમાં ભરપૂર કેલરી હોય છે. અહીં બતાવેલી આ પૌષ્ટિક બદામની બરફી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત માણી શકાય એવી છે. પ્રોટીનયુક્ત બદામ વડે બનતી આ બરફીમાં બહુ થોડી માત્રામાં સાકર અને ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ છતાં આ બરફીમાં જોઇએ તેટલી મીઠાશ પણ છે અને સાથે સ્વાદ પણ મજેદાર છે. આ સ્વાદનું કારણ છે, તેમાં ઉમેરવામાં આવેલું કેસર અને એલચીનું પાવડર. આ સ્વાદિષ્ટ બદામની બરફી હવાબંધ ડબ્બામાં ભરી સામાન્ય તાપમાન પર ત્રણ થી ચાર દીવસ તાજી રહે એવી બને છે. અન્ય પૌષ્ટિક મીઠાઇઓ જેવી કે મખાનાની ખીર અથવા જુવાર-સફરજનનો શીરો પણ અજમાવવા જેવી છે.