વેજીટેરીયન હૉટ ડૉગ | Vegetarian Hot Dog

તમને વધુ શું ભાવે? બ્રેડ, બટાટા, ચીઝ, વિવિધ શાક, રાજમા કે પછી ચટપટા મસાલા. આ બધી વસ્તુઓનું સંયોજન તમને એક જ વાનગીમાં મળે તો કેવી મજા. આ વેજીટેરીયન હૉટ ડૉગ તમને આ વસ્તુઓનો અદભૂત અહસાસ અપાવશે.

પૂરણ માટે વપરાતી વસ્તુઓ એવી સ્વાદિષ્ટ છે કે નાના મોટા સૌને ગમશે. જીભમાં સ્વાદ રહી જાય અને તેનો આકર્ષક દેખાવ કોઇને પણ ગમી જાય એવો છે, એટલે તો પાર્ટીમાં અને સામાજિક મેળાવડામાં તેની પસંદગી બધા લોકો કરે છે.

તવા પર તૈયાર કરેલા રોલ વિવિધ સામગ્રી જેવી કે બટાટા, શાકભાજી, રાજમા અને ચીઝ વડે મજેદાર અને સ્વાદિષ્ટ બને છે. તેને તવા પર બનાવવાથી તેની જોરદાર સુવાસ અને કરકરાપણું લાજવાબ બને છે.

આ હૉટ ડૉગમાં સ્વાદિષ્ટ મેયાનીઝ અને જીભને ગમતા સૉસ તમારી કલ્પના બહારનો સ્વાદ આપશે, કે તમે તેનો સ્વાદ માણવા તલપાપડ બની જશો.

વેજીટેરીયન હૉટ ડૉગ - Vegetarian Hot Dog recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૫ હૉટ ડૉગ માટે
મને બતાવો હૉટ ડૉગ

ઘટકો

વેજીટેબલ રોલ માટે
૧ ટેબલસ્પૂન તેલ
૨ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર
૧/૪ કપ ઝીણી સમારેલી ફણસી
૧/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ કપ બાફીને મસળી લીધેલા બટાટા
૩/૪ કપ બાફીને છૂંદેલા રાજમા
૧ ટીસ્પૂન લાલ મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

મિક્સ કરીને મેયો-ચીલી સૉસ તૈયાર કરવા માટે
૧/૪ કપ મેયોનીઝ
૧ ટેબલસ્પૂન ચીલી સૉસ
૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બ્સ્

બીજી જરૂરી વસ્તુઓ
હૉટ ડૉગ રોલ
૫ ટીસ્પૂન રાઇની પેસ્ટ
૫ ટીસ્પૂન ટમૅટો કેચપ
કાર્યવાહી
વેજીટેબલ રોલ માટે

  વેજીટેબલ રોલ માટે
 1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં આદૂ-લસણની પેસ્ટ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
 2. તે પછી તેમાં કાંદા, સિમલા મરચાં, ગાજર, ફણસી અને ટમેટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 3. તે પછી તેમાં કોથમીર, બટાટા, રાજમા, લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, ટમૅટો કેચપ, બ્રેડ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
 4. આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો.
 5. તે પછી તેમાં ચીઝ મેળવી તમારા હાથ વડે તેને મિક્સ કરી લો.
 6. આમ તૈયાર થયેલા આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગનો ગોળ નળાકાર રોલ તૈયાર કરો.
 7. હવે એક તવાને ગરમ કરી તેની પર ૧ ટીસ્પૂન તેલ ચોપડી તેમાં ૩ રોલ મૂકી રોલ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
 8. રીત ક્રમાંક ૭ પ્રમાણે બાકીના ૨ રોલ પણ રાંધીને બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક હૉટ ડૉગ રોલમાં ઉપરથી લાંબો કાંપો પાડી હલકા હાથે તેની મધ્યમાંથી આંગળી વડે બ્રેડ કાઢીને નાનો ખાડો પાડી લો. તેમાંથી કાઢેલો બ્રેડનો ભાગ ફેંકી દેવો.
 2. હવે ૧ ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું મેયો-ચીલી સૉસ સરખી રીતે બ્રેડની ખાડા પાડેલી જગ્યામાં સરખી રીતે પાથરી લો.
 3. પછી તેની પર ૧ રોલ મૂકી હલકા હાથે દબાવી લો.
 4. તેની ઉપર ૧ ટીસ્પૂન રાઇની પેસ્ટ અને ૧ ટીસ્પૂન ટમૅટો કેચપ સરખી રીતે પાથરી લો.
 5. રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૪ હૉટ ડૉગ રોલ તૈયાર કરી લો.
 6. તરત જ પીરસો.

Reviews