બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે.
રિફ્રાઇડ બીન્સ મેક્સિકન વાનગીમાં વધુ વપરાય છે અને બજારમાં સહેલાઇથી મળી રહે છે, પણ ટમેટા, લીલા કાંદા અને રાંધેલા રાજમા વડે જો ઘરે જ બનાવશો, તો તૈયાર મળતા રિફ્રાઇડ બીન્સ કરતા વધુ ખશ્બુદાર બનાવી શકશો. દરેક બોલ અલગ-અલગ તૈયાર કરવો જેથી દરેકને સરખા પ્રમાણમાં પીરસી શકાય અને તૈયાર કરી તરત જ પીરસવા જેથી તેનો વધુ આનંદ માણી શકાય.