આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા અથવા પૂરી સાથે પીરસી શકો.
કઢાઇ પનીર - Kadai Paneer ( Rotis and Subzis) recipe in Gujarati
કઢાઇ ગ્રેવી માટે- એક નૉન-સ્ટીક તવા પર લાલ મરચાં અને આખા ધાણાને ૩૦ સેકંડ માટે સૂકા શેકી લો.
- તે પછી તેને તવા પરથી ઉતારીને ઠંડા થવા બાજુ પર રાખો.
- ઠંડા થયા પછી તેને મિક્સરમાં ફેરવી બારીક પાવડર બનાવી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં લસણ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લાલ મરચાં-ધાણાનો પાવડર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા તેલ છુટું થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને બટાટા છૂંદવાના સાધન વડે થોડી છૂંદી લો.
- છેલ્લે તેમાં ટમેટાની પ્યુરી, કસૂરી મેથી, ગરમ મસાલો, મીઠું અને લગભગ ૨ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
આગળની રીત- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા પનીરના ટુકડા મેળવીને તે દરેક બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી સહેજ ગરમ પાણીમાં ૧૦ મિનિટ સુધી રાખી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.
- બીજી એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી કઢાઇ ગ્રેવી, ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર, હળદર, ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં સિમલા મરચાં અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- પછી તેમાં પનીર, મીઠું અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી હલકી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.